ભવનાથ મહાદેવ નો મેળો: ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનો મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે.
પ્રાચીન ભવનાથ મહાદેવના મંદિરમાં આવેલ શિવલિંગ સ્વયંભૂ છે .
આ મેળાની શરૂઆત મહા વદ અગિયારસે થાય છે જે મહા વદ અમાસ સુધી ચાલે છે . પરંતુ મહાશિવરાત્રીનો દિવસ એટલે કે મહા વદ તેરસ આ મેળાનો વિશિષ્ટ દિવસ છે .
મહાશિવરાત્રીના ખાસ દિવસે ભગવાન ભવનાથના દર્શન કરવા નાગા બાવાઓ કે અઘોરીઓ , સાધુ , સંતો , સંન્યાસીઓ વગેરેની જનમેદની ઊમટી પડે છે .
નાગા બાવા ( સંતો ) ના અખાડાની પૂજા શરૂ થાય છે . જેમાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે . હાથી પર શોભાયમાન , હાથમાં ધજા – પતાકાં રાખીને નૃત્ય કરતા કરતા આ શોભા યાત્રા શરૂ થાય છે . મધ્યરાત્રિએ મંદિર પહોંચીને કુંડસ્નાન કરે છે . કુંડ મેળાથી અલગ ફક્ત ત્રણ અખાડાં કુંડમાં સ્નાન કરે છે . એમ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ ધરતી પરના પુણ્ય આત્મા સાથે મુલાકાત કરે છે .
અહી ભક્તજનો અને યાત્રાળુંઓ માટે મફત ભોજન – પ્રસાદની સુવિધા પણ રાખવામાં આવે છે . મેળામાં પવિત્ર મોતી , કિંમતી રત્નો , નંગોના વેચાણ માટે દુકાનો હોય છે . ઉપરાંત છેક અયોધ્યા અને મથુરાના વેપારીઓ તેમની કળાકારીગરીના નમૂનાના વેચાણ માટે અહીં આવે છે . રૂદ્રાક્ષના અલભ્ય નમૂનાઓ જુદા – જુદા રૂપે આ મેળામાં જોવા મળે છે . આ મેળામાં પીત્તળ અને તાંબાના કલાત્મક વાસણો પણ ખાસું આકર્ષણ જમાવે છે .
આ ભવનાથ મંદિર પાસેથી સુવર્ણરેખા નદીની પાતળી સેર પસાર થાય છે . આ સ્થળે મુચકુંદ , ભર્તુહરિ અને ગુરુદત્તની ગુફાઓ પણ આવેલી છે . આહીર અને મેર જાતિના લોકોનું આ આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે .
અદ્ભુત , અલૌકિક સમાન ભવનાથનું આ મંદિર ચાર દિવસ સુધી જનમેદનીથી ઘેરાયેલું રહે છે અને રાત્રિના સમયે ભજન-કીર્તન અને રાસ-ગરબા વગેરે આ સ્થળમાં ભક્તિમય વાતાવરણ ઉભું કરી દે છે
















