ગુજરાત સ્થાપના દિવસ :

ઉતરે ઈડરિયો ગઢ ભલો,
દખ્ખણે દરિયાની અમીરાત,
ખમીર જેનુ ખણખણે,
એ છે ધમધમતુ ગુજરાત.

ગુજરાત સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામનાઓ…..

જય જય ગરવી ગુજરાત

ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ થવાની એ કહાણી જેમાં અનેકે જીવ ગુમાવ્યાં હતાં

ગુજરાતનો સ્થાપના દિવસ

1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.

વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ.

એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં.

‘મહાગુજરાત આંદોલન’ એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું.

હડતાળો, વિદ્યાર્થીદેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ.

1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતાં ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે.

રાજ્ય પુનર્રચના પંચે 1955માં ભારત સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો.

મહાગુજરાત આંદોનલ માટે ફંડ ઊઘરાવતા ઇન્દુલાલ યાજ્ઞિક

6 ઑગસ્ટ, 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી.

ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો.

આથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા.

મળવા ગયેલા વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં હડતાળનું એલાન આપ્યું.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને ‘લે કે રહેંગે મહાગુજરાત’નો નારો બુલંદ બન્યો.

8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કૉંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા.

પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં.

આ ઘટનાએ ગુજરાતમાં અરાજકતા ફેલાવી દીધી.

આંદોલન દરમિયાન અમદાવાદમાં હિંસા થઈ હતી
આંદોલન દરમિયાન અમદાવાદમાં હિંસા થઈ હતી

અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયાં

મહાગુજરાત આંદોલનની ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા.

9 સપ્ટેમ્બર, 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભા મળી અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા.

ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવી ચેતના જાગી.

2 ઑક્ટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનના જુસ્સાના પ્રતીક સમાન હતો.

પંડિત જવાહરલાલ નહેરુની સમાંતર ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં અમદાવાદની લૉ કૉલેજમાં પણ સભા યોજાઈ.

ઇન્દુલાલની સભામાં અંદાજે 3 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નહેરુની સભામાં પાંખી હાજરી હતી.

ઇન્દુલાલ યાજ્ઞિકની સક્રિય ભૂમિકાએ આંદોલનને નવી દિશા આપી ને ઇન્દુલાલ યાજ્ઞિક ‘ઇન્દુચાચા’ તરીકે ઓળખાયા.

આંદોલન દરમિયાન 1957માં ચૂંટણી આવી ને મહાગુજરાત જનતા પરિષદે પણ ઝંપલાવ્યું.

ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયાં.

સમગ્ર ગુજરાતમાં ગામેગામ, નગરોમાં આંદોલન વેગવંતુ બનતું રહ્યું.

6 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની સમિતિ મળી.

બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ.

ગુજરાત રાજ્યની સ્થાપનની જાહેરાત કરતા રવિશંકર મહારાજ, તેમની સાથે મોરારજી દેસાઈ, જીવરાજ મહેતા અને મહેદીંનવાઝ જંગ

આખરે મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર અને ડાંગ સાથેનું ગુજરાત અલગ પડ્યાં.

મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદઘાટન થયું.

પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો.

આંદોલનકારીઓ અને ગુજરાત માટે પહેલી મે, 1960ના દિવસે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો.

રાણકી વાવ

રાણકી વાવ : રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ ઐતિહાસિક વાવ છે . સોલંકી વંશના ભીમદેવ પહેલાંની પટરાણીનું નામ ઉદયમતી હતું . ઉદયમતીએ પોતાના પતિની યાદમાં પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે આ સુંદર રાણકીવાવ બંધાવી હતી .

આ વાવ જમીનની સપાટીએથી સાત મજલા ( માળ ) ઊંડી છે . દરેક માળની દીવાલો પર દેવ – દેવીઓ , નર્તકીઓ , દ્વારપાળો , પ્રાણીઓ વગેરેના સુંદર શિલ્પો છે . આ વાવના સ્તંભો અને દીવાલો સોલંકી વંશ અને તેની વાસ્તુકલાના ઉત્કૃષ્ટ નમૂના છે . આ વાવમાં રામ , વામન , કલ્કિ , મહિષાસુરમર્દિની વગેરે અવતારો શિલ્પો પર સુંદર રીતે કંડારેલા છે .

ભારતની આઝાદી પછી આ વાવનું ઉત્નનન કરવામાં આવ્યું અને ઐતિહાસિક વારસાનું એક અપ્રતિમ સ્વરૂપ આપણાને જોવાં મળ્યું . રાણકી વાવ એકમાત્ર એવી વાવ છે જે વિશ્વ વિરાસત સ્થળની સૂચિમાં ( 23 જૂન , 2014 ના રોજ ) સામેલ થઈ છે .

અડાલજની વાવ

અડાલજની વાવ : હાલમાં આ અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે . આ વાવ અમદાવાદથી લગભગ 15 કિમી . દૂર છે . આ વાવમાંથી ઈ.સ .1499 ની સાલનો સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવેલ છે તેની પરથી જાણવા મળે છે કે રૂડાદેવી ( રૂડીબાઈ ) એ તેમના પતિ વિરસંગ વાઘેલાની યાદમાં આ અડાલજની વાવ બંધાવી હતી .

આ વાવની કુલ લંબાઈ 251 ફૂટ છે , જેમાં ત્રણ પ્રવેશદ્વાર છે અને પાંચ માળ ઊંડી છે .

આ વાવ જમીનમાંના પાણીના પ્રથમ ઝરણાં સુધી બનાવવામાં આવી છે . આ વાવની બાંધણી આલંકારિક છે , જેમાં સ્તંભો , ગોખ અને ઝરોખાઓમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું હતું . આ વાવ માં પ્રવેશ કરતાં લગભગ 7.5 મીટરનો એક ચોરસ મંડપ નજરે પડે છે . મંડપના હાલના અવશેષો જોતાં જણાય છે કે ભૂતકાળમાં આ મંડપ ઉપર ઘુમ્મટ હશે . આ વાવના એક ગોખમાં ગુજરાતી આકારની નવ ગાગર ત્રણ – ત્રણની ઊતરડમાં કોતરેલી છે . બીજા ગોખમાં મુસ્લિમ કલ્પવૃક્ષ અને ચિરાગની આકૃતિઓ કંડારેલી છે .

વાવના બીજા મજલે અષ્ટકોણ કૂવાની ભીંતમાં નવગ્રહની પ્રતિમાઓ કંડારેલી છે અને તેમાં છેક નીચે સુધી જવા માટે બાજુએ ગોળ સીડી આવેલી છે . આ વાવ ગુજરાતની સર્વ વાવોમાં ઉત્તમ છે અને સ્થાપત્યની દષ્ટિએ આ વાવ જ્યા પ્રકારની છે . આ પ્રકારના સ્થાપત્ય વિશ્વમાં ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે . ભારત સરકાર દ્વારા આ અડાલજની વાવને સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે .

મોઢેરાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર : મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે . આ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન ઈ.સ .1027 માં બંધાયું હતું . મોઢેરા સ્થિત સૂર્યમંદિરનું નિર્માણ ભૌગોલિક સંરચના સાથે તાલબદ્ધ છે .

આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું હતું . સૂર્યના વિષુવૃત્તીય ક્ષેત્રના આગમન સમયે સૂર્યની અવર્ણનીય છબી તેના ગર્ભગૃહમાં માણી શકાય છે .

આ મંદિર ગર્ભગૃહ , અંતરાલ અને સભામંડપ એમ ત્રણ અંગો ધરાવે છે . ગર્ભગૃહની ભીંતો તથા મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા માર્ગ છે . મંદિરની છતને આઠ થાંબલાઓનો આધાર આપવામાં આવ્યો છે . આ થાંભલાઓ અષ્ટકોણ આકારના છે અને તેના પર ભરચક કોતરણી છે .

આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે . વળી , તેમાં કામશાસ્ત્રને લગતાં કેટલાંક શિલ્પો પણ જોવા મળે છે . આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે . મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના – નાના કુલ 108 જેટલા મંદિરો આવેલાં છે , જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દેશ્ય ઊભું કરે છે .

આ મંદિરની દીવાલો અને સ્તંભોમાં રામાયણ અને મહાભારતની ઘટનાઓને મૂર્તિમંત કરવામાં આવી છે . વળી તે સમયના દેવી- દેવતાઓના જીવંત રૂપોની રસપ્રદ કોતરણી કરવામાં આવી છે . મુખ્ય આકર્ષક મૂર્તિ ત્રણ મુખ , ત્રણ હાથ અને ત્રણ પગવાળી મૂર્તિ છે .

ગુજરાત પર્યટન મંત્રાલય દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન સૂર્યમંદિર પાસે કરવામાં આવે છે . આ મહોત્સવ ગુજરાતનો સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે જેના દ્વારા ગુજરાતની ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રખાય છે .

મોઢેરા નૃત્ય મહોત્સવનું મુખ્ય આકર્ષણ વિશિષ્ટ ગરબા છે . જેના દ્વારા ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિનું ચિત્રણ કરવામાં આવે છે . રંગીન પોશાકો પહેરીને લોકો ગરબા નૃત્ય કરે છે . પ્રવાસીઓ પણ આ નૃત્યની મજા માણે છે કારણકે આ નૃત્ય દ્વારા તેમને પ્રાચીન સમયના ભારતની ઝાંખી જોવા મળે છે . કુચિપુડી , ભરતનાટ્યમ , કથક જેવા બીજા શાસ્ત્રીય નૃત્યો પણ આ મહોત્સવમાં યોજવવામાં આવે છે .

પાલીતાણા

પાલીતાણા :ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ અને ભાવનગર શહેરથી લગભગ 60 કિમી . દૂર શૈત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક અને ભારતખ્યાત મહાતીર્થ “ પાલિતાણા ” આવેલું છે . 600 મીટર ઊંચી શેત્રુંજય પર્વતમાળા પરના 863 જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે . સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા કારીગરી દરેક દિવાલો – છત અને ખંડોમાં ઊભરી આવે છે .

પાલિતાણા અદ્વિતીય કળા વૈભવ અને આસ્થાના સ્થાનક સમું છે જે અગણિત જૈનો અને શ્રદ્ધાળુ – યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે . પાલિતાણાના ભવ્ય દેરાસરની શૃંખલાના નિર્માણ કાર્યની શરૂઆત મુર્શિદાબાદના રહેવાસી બાબુ ધનવંતસિંહ દ્વારા કરવામાં આવી . ત્યારબાદ 13 મી સદીના સમયગાળામાં વસ્તુપાળ – તેજપાળ દ્વારા આ પર્વત પર દેરાસરોની શૃંખલાનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું . નવ – નવ પેઢી સુધી ચાલેલું આ મંદિર સમૂહનું બાંધકામ મનુષ્યની શ્રદ્ધા , પરંપરા તેમ જ મહાજનોના સમાજમાં પ્રદાનની એક મહાગાથા છે .

પાલિતાણાને “ મંદિરોનું શહેર ” પણ કહેવાય છે . આધુનિક “ સમયવસરણ ” મંદિર અહીંજ આવેલું છે . શૈત્રુંજય જૈનોના પહેલાં તીર્થકર આદિનાથ ( જેમને ભગવાન ઋષભદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ) નું સ્થાન ગણાય છે . અહીંની તેમણે 93 વખત પરિક્રમા કરી હતી અને તેમને અહીં જ મોક્ષ – ગતિ પ્રાપ્ત થઈ હતી . આ કારણે જૈન ધર્મના અલૌકિક ઈતિહાસ સાથે સંકળાયેલ પાલિતાણા સૌ જૈન શ્રધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે

પાલિતાણાને “ સિદ્ધક્ષેત્ર ” ( મોક્ષનું દ્વાર ) તરીકે પણ ઓળખવામાં આવે છે . 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્થાન પર પહોંચવા 3795 પગથિયાં બનાવવામાં આવ્યા છે . પર્વતના શિખર પર પહોંચવાના માર્ગે તીર્થકરોના પદચિહ્નો દ્રશ્યમાન થાય છે . યાત્રાળુ માટે રસ્તામાં પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવેલી છે . માર્ગમાં ખાણી – પીણીની ચીજવસ્તુઓ પ્રતિબંધિત છે .

પાલિતાણાનું મુખ્ય દેરાસર મૂળ લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું . રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન મહેતાએ તે સમયમાં લગભગ 3 કરોડના ખર્ચે આરસપહાણના પથ્થરોમાંથી આ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું . ત્યારબાદ સમયાંતરે તેનું જીર્ણોદ્ધાર થતું રહયું છે . હાલનું દેરાસર ઈ.સ. 1618 માં નિર્માણ પામ્યું છે . મંદિરોમાં ભગવાનની શોભા માટે સમર્પિત ઘણા કીંમતી આભૂષણો અને હીરા પણ છે . એ સમગ્ર જૈન મંદિરોનો વહીવટ જાણીતી પેઢી આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે . તેમની પરવાનગીથી આ આભૂષણો જોઈ શકાય છે .

આ દેરાસરો ( મંદિરો ) નું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીવાળું ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ સૌને આચર્ય પમાડે તેવું સુંદર છે જેના નિર્માણમાં સમય , શક્તિ અને નાણાંની સાથે – સાથે શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાનું સિંચન થયું છે .

ગિરનાર

ગિરનાર : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો પર્વત ગિરનાર હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થલ ગણાય છે . લગભગ 3650 ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવવાળા પર્વત સાથે વૈદિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે.

ગિરનાર જુદા – જુદા સમયમાં જુદા – જુદા નામે પ્રચલિત હતો . સૌપ્રથમ તે ઉજ્જયંત , મણીપુર , ચંદ્રકેતુપુર , રૈવતકનગર , પુરાતનપુર , ગિરિવર અને ગિરનાર એમ અલગ – અલગ નામોથી ઓળખાતો . જૈન ધર્મ તેને નેમિનાથ પર્વત તરીકે ઓળખે છે .

આ પર્વત સાથે ભગવાન કૃષ્ણના પ્રસંગો પણ જોડાયેલા છે . ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં અહીં જ આહીર લોકોનો મેળો ભરાતો . શ્રીકૃષ્ણ – બલરામ પણ તેમાં આવેલા . અર્જુન સાધુવેશે આવીને આ મેળામાંથી જ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયેલો . આ મેળો હજુ પણ ભરાય છે જે ભવનાથના મેળા તરીકે પ્રખ્યાત છે .

આ પર્વતના શિખરે પહોંચવા માટે યાત્રાળુઓએ 9999 પગથિયાં ચઢવા પડે છે . અહીં પૉચ ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્થાનકો આવેલા છે . જેમાં મા અંબાજીનું મંદિર , ગોરખનાથની ટૂક ( ગુફા ) , ઔગઢનું સ્થાનક , ગુરુ દત્તાત્રેયની ટૂંક અને માતા કાલકાની ગોખ .

આ હિન્દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્ય પાંચ દેરાસરો પણ આવેલાં છે . જૈન ધર્મના 22 માં તીર્થકર ભગવાન નેમિનાથનું દેરાસર આવેલું છે જે 12 મી સદીમાં બાંધવામાં આવ્યું હતું . તેમની મૂર્તિ કાળા આરસપહાણના પથ્થરમાંથી બનાવાઈ છે અને તેમના નેત્રો કિંમતી રત્નથી બનાવાયા છે . આ ઉપરાંત અન્ય ચાર ભવ્ય જૈન દેરાસરો જે સુંદર આરસપહાણથી વસ્તુપાળ – તેજપાળે બંધાવેલાં છે . આમ , અહીંનું સમગ્ર સંકુલ સ્થાપત્ય કળાના નમૂનાથી ભરપૂર છે .

ગિરનારની લીલી પરિક્રમા વિશ્વભરમાં પ્રખ્યાત છે . ગિરનારની પરિક્રમા માટે પરોઢિયાનો સમય ઉત્તમ રહે છે . ભગવાન દત્તાત્રેયની ટૂંક ગિરનારની પરિક્રમાના માર્ગની વચ્ચે છે . ભગવાન શિવજીનું ભવનાથ મંદિર પરિક્રમાના માર્ગમાં પહેલું આવેલું છે . ત્યારપછી રાજા ભર્તુહરિની ગુફા , સોરઠ મહલ , ભીમકુંડ અને અન્ય મહત્વના સ્થાનકો પરિક્રમાના માર્ગે આવેલાં છે . ગિરનાર પર્વતીય ક્ષેત્રમાંથી એકત્રિત થયેલું પાણી ગૌ – મુખી કુંડમાં એકઠું થાય છે .

અક્ષરધામ મંદિર

અક્ષરધામ મંદિર (ગાંધીનગર ) :

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું આ અક્ષરધામ મંદિર આવેલું છે . આ અક્ષરધામ મંદિર ગુજરાતના હિન્દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે .

જેમાં કળા , સ્થાપત્ય , શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે . 23 એકરના વિશાળ વિસ્તારમાં અક્ષરધામ સંકુલ આવેલું છે જે રાજસ્થાની ગુલાબી પથ્થરોમાંથી નિર્માણ પામેલું છે . 6 વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું 240 ફૂટ લાબું અને 131 ફૂટ પહોળું છે જેમાં 6000 ટન પથ્થરો નિર્માણકાર્યમાં વપરાયેલા છે . વાસ્તુશાસ્ત્રના ઉચ્ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિંદુત્વના સીમાચિહ્ન સ્વરૂપ અક્ષરધામના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિવત્ કરાયેલો છે .

અક્ષરધામ એક જ શિલામાંથી બનાવેલાં અંદાજીત 210 કલાત્મક થાંભલા , 57 જેટલા બેનમૂન બારીઓ , ઘુમ્મટો અને આઠ જેટલા નકશીકામની ભરપૂર ઝરૂખાથી શોભી રહ્યું છે . અત્યંત આકર્ષક , કલામય સ્થાપત્ય શૈલીથી બંધાયેલા આ મંદિરમાં સાત ફૂટથી ઊંચી ભગવાન સ્વામીનારાયણની પ્રતિમા છે . ભગવાન સ્વામિનારાયણની અંદાજીત 9.2 ટનની આ ભવ્ય મૂર્તિ સોનાના ઢોળ ચઢાવી ગર્ભગૃહમાં સ્થાપિત કરેલી છે . ઉચ્ચ આસન પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તેમના જમણા હાથની અભય મુદ્રા સાથેનું તેમનું સ્વરૂપ અલૌકિક છે . તેમની જમણી બાજુ સ્વામી ગુણાતીતાનંદ અને ડાબી બાજુ સ્વામી ગોપાલાનંદ વંદન – અર્ચન કરતા દ્રશ્યમાન થાય છે .

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ “ અક્ષરધામ ” નું નિર્માણ કર્યું . અક્ષરધામમાં નીચે આવેલા વિશાળ ભોંયરામાં ભવ્ય ઈતિહાસ ધરાવતા સનાતન ધર્મનેઊજાગર કરતું સ્થાપત્ય અને જીવન – પ્રેરણાદાયી ધ્વનિ અને પ્રકાશ આયોજનના માધ્યમ દ્વારા મુલાકાતીઓને દિવ્યજીવનની અનુભૂતિ થાય છે . આમાં ભગવાન સ્વામિનાયારણના જીવનના – તેમની તપશ્વર્યાના -તેમની દિવ્ય અનુભૂતિના ચમત્કારિક પ્રસંગો મૂર્તિમંત કરવામાં આવ્યા છે .

આ ઉપરાંત આપણા ધાર્મિકગ્રંથો રામાયણ – મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ , શ્રવણની માતૃ – પિતૃ ભક્તિ , પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી , હસ્તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર , કૌરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો વગેરેની રજૂઆત જીવંત અને વાસ્તવિકતાની પ્રતિતિ કરાવે છે જે મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય છે . આ ઉપરાંત નરસિંહ , મીરાં , પ્રેમાનંદ , તુલસીદાસ , કબીર , સુરદાસ , જયદેવ , તુકારામ જેવા અનેક ભક્તકવિઓની પ્રતિમાઓ પણ છે .

તાના-રીરી મહોત્સવ

તાના-રીરી મહોત્સવ:

મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ તાના – રીરી ના સમાધિ સ્થળે દર વર્ષે નવેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે .

આ મહોત્સવમાં સમૂહ ગાયન , સમૂહ સિતારવાદન , શાસ્ત્રીય ગાયન , અને શાસ્ત્રીય નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવે છે .

આ મહોત્સવમાં દેશ – વિદેશના પ્રખ્યાત નૃત્ય કલાકારો અને સંગીત ક્ષેત્રના દિગ્ગજોને બોલાવવામાં આવે છે .

નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ તેની દીકરી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.આ શર્મિષ્ઠાની બે પુત્રી તાના અને રીરી હતી જે સંગીતની જાણકાર હતી .

એક દંતકથા પ્રમાણે , તાનસેન દ્વારા દીપક રાગ ગાવાથી તેના શરીરમાં બળતરા ચાલુ થઈ ગઈ હતી અને તે બળતરા માત્ર મલ્હાર રાગ ગાવાથી દૂર થઈ શકતી હતી ત્યારે તે મલ્હાર રાગ ગાય શકે તેવા સંગીતજ્ઞની શોધમાં વડનગર આવી પહોચ્યાં હતા .

તાના – રીરીએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની પીડા મટાડી હતી પરંતુ તે સાથે તાના રીરીએ વચન લીધું હતુ કે તાનસેન આ વાતની જાણ કોઈને નહીં કરે . તાનસેને અકબરના દરબારમાં તાના – રીરીની પ્રશંસા કરી અને અકબરે તે બન્ને બહેનોને તેડવા સૈન્ય મોકલ્યું . ત્યારે તાના – રીરી બંને બહેનો એ જળસમાધિ લઈ લીધી .

તાના – રીરી મહોત્સવનું આયોજન વર્ષ -2003 થી દર વર્ષે કરવામાં આવે છે .

ચિત્ર-વિચિત્ર નો મેળો

ચિત્ર-વિચિત્ર નો મેળો ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે ચિત્ર-વિચિત્ર ના મેળાને યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતીઆકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે

આસપાસના વિસ્તારોમાંથી ભીલ જનજાતિના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળો માણવા માટે આવે છે . ગરાસિયા અને ભીલ આદિવાસીઓ તેમના પરંપરાગત પોશાકમાં રંગીન કપડા , પુરુષોનો પોશાક સામાન્ય રીતે એક આસમાની રંગનું શર્ટ , ધોતી અને લાલ અથવા ભગવા રંગની પાઘડી આવેલ હોય છે . સ્ત્રીઓના ઘાઘરા ડોન શૈલીમાં જે 20 ગજ જેટલું લાબું હોય છે તે સાંસ્કૃતિક વારસાના પ્રતીકરૂપ છે .

આ મેળા દરમિયાન 37 જુદી – જુદી આદિવાસી સમુદાયના લોકો પોતાના ભેદભાવ ભૂલીને એક પરિવાર બનીને આ મેળો ઉજવે છે . આ મેળાને આદિવાસીઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે . આ મેળાનું આયોજન દર વર્ષે મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં કરવામાં આવે છે .

એક દંતકથા પ્રમાણે મહાભારત કાળમાં અહીં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બને રોગમુક્ત થયાં હતા તેથી શ્રદ્ધાળુ આદિવાસી સ્ત્રી – પુરુષ પોતાના કે પોતાના સંબંધીઓને રોગમુક્ત કરવા અથવા રોગ – પીડાથી મુકત થવા માટે બાધા રાખે છે .

પલ્લીનો મેળો

રૂપાલ : પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના  રુપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમ ‍(૯)ના દિવસે ભરાતો પ્રસિધ્ધ મેળો છે. દેવી વરદાયિની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે.

આ રૂપાલ ગામમાં આદ્યશક્તિ વરદાયિની માતાનું મંદિર આવેલું છે . અહીંયા વરદાયિની માતાની પલ્લી ભરાય છે એટલે કે માતાના શ્રદ્ધાળુ ભક્તો આસો સુદ નોમના દિવસે માતાની પાલખી ( પલ્લી ) ને ઊંચકીને ગામમાં વરઘોડો કાઢે છે .

આ મેળાની એક ખાસિયત એ છે કે વરદાયિની માતાને પ્રસન્ન કરવા માતાની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે . આ ચોખ્ખું ઘી ચડાવવાનું પ્રમાણ એટલું પુષ્કળ હોય છે કે જાણે ચોખ્ખા ઘીની નદીઓ વહેતી હોય .

વરદાયિની માતાની પાલખી ( પલ્લી ) ને જોવા ગુજરાતના જ નહિ પરંતુ વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુ આ દિવસે ઊમટી પડે છે .

Design a site like this with WordPress.com
Get started