વૌઠાનો મેળો : વૌઠાનો મેળો ગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં એક મહત્વનો મેળો છે. વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં સૌથી મોટો મેળો છે.
વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ સપ્તસંગમ સાત નદીઓનાં સંગમ તરીકે પવિત્ર તીર્થ મનાય છે .હકીકતમાં તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝમ અને શેઢી નદીઓ મળે છે, તેથી અહીં સાત નદીઓનો સંગમ થાય છે. જેમાં – ( 1 ) સાબરમતી ( 2 ) શેઢી ( 3 ) હાથમતી ( 4 ) વાત્રક ( 5 ) ખારી ( 6 ) મેશ્વો ( 7 ) માઝમ
આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ભરાય છે . પરંતુ લગભગ એક મહિના સુધી લોકો અહીં આવ – જા કરે છે .
કારતક સુદ પૂનમના દિવસે સાત નદીઓના સંગમ સ્થળે સ્નાન કરીને લોકો ધન્યતા અનુભવે છે . અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળાઓમાં વૌઠાનો મેળો મોટામાં મોટો છે .
આ મેળાની ખાસિયત એ છે કે અહીંયા ગધેડાઓ તથા ઊંટોને શણગારીને ખરીદ – વેચાણ માટે લાવવામાં આવે છે . તેથી આ એક પશુ મેળા તરીકે પ્રખ્યાત છે .
આ સ્થળ પૌરાણિક રીતે પણ ખૂબ જ મહત્વનું છે , કારણકે , હાલનું ધોળકાએ પ્રાચીન વિરાટનગર હતું . પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસ વિરાટનગરમાં જ વીતાવ્યો હતો . આ મેળામાં અનેક હાટડીઓ , મોટી દુકાનો અને મનોરંજનને લગતાં ઘણાં સાધનો પણ હોય છે .
રાજય સરકાર અને તાલુકા પંચાયત તરફથી અહીયાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજન મંડળી વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે .

















