શામળાજી : અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીને કિનારે આવેલા પુરાતન તીર્થ શામળાજીમાં એક મોટો મેળો ભરાય છે . આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારસથી થઈ જાય છે અને ત્રણ અઠવાડિયા ચાલે છે પરંતુ આ મેળાનો મુખ્ય દિવસ કારતક સુદ પૂનમ ગણવામાં આવે છે .
આ મેળામાં ગુજરાતના જ નહિં પરંતુ રાજસ્થાન , મધ્યપ્રદેશ અને ભારતભરમાંથી લોકો મુખ્યત્વે આદિવાસીઓ આવે છે .
આ મેળો આદિવાસીઓનો મેળો તરીકે પણ પ્રખ્યાત છે . અહીંયા “ કાળિયા બાવજી ” એટલે કે શામળાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આદિવાસીઓની વિશાળ જનમેદની ઊમટી પડે છે .
આ મેળામાં યંત્ર – મંત્ર – તંત્ર વગેરેની સાધના કરનાર જોગીઓ અને ભૂવાઓ પણ મોટી સંખ્યામાં ઊમટી પડે છે .
કારતક સુદ પૂનમના દિવસે મેશ્વો નદીમાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે . લોકો સ્નાન કરી ભજન કીર્તન દ્વારા પોતાના ઈષ્ટ શામળાજીને પ્રસન્ન કરવા પ્રયત્નશીલ રહે છે .
મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: ‘શામળાજીના મેળે રે રણઝણિયું વાગે !’








