ગિરનાર : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો પર્વત ગિરનાર હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થલ ગણાય છે . લગભગ 3650 ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવવાળા પર્વત સાથે વૈદિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
ગિરનાર જુદા – જુદા સમયમાં જુદા – જુદા નામે પ્રચલિત હતો . સૌપ્રથમ તે ઉજ્જયંત , મણીપુર , ચંદ્રકેતુપુર , રૈવતકનગર , પુરાતનપુર , ગિરિવર અને ગિરનાર એમ અલગ – અલગ નામોથી ઓળખાતો . જૈન ધર્મ તેને નેમિનાથ પર્વત તરીકે ઓળખે છે .
આ પર્વત સાથે ભગવાન કૃષ્ણના પ્રસંગો પણ જોડાયેલા છે . ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં અહીં જ આહીર લોકોનો મેળો ભરાતો . શ્રીકૃષ્ણ – બલરામ પણ તેમાં આવેલા . અર્જુન સાધુવેશે આવીને આ મેળામાંથી જ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયેલો . આ મેળો હજુ પણ ભરાય છે જે ભવનાથના મેળા તરીકે પ્રખ્યાત છે .
આ પર્વતના શિખરે પહોંચવા માટે યાત્રાળુઓએ 9999 પગથિયાં ચઢવા પડે છે . અહીં પૉચ ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્થાનકો આવેલા છે . જેમાં મા અંબાજીનું મંદિર , ગોરખનાથની ટૂક ( ગુફા ) , ઔગઢનું સ્થાનક , ગુરુ દત્તાત્રેયની ટૂંક અને માતા કાલકાની ગોખ .
આ હિન્દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્ય પાંચ દેરાસરો પણ આવેલાં છે . જૈન ધર્મના 22 માં તીર્થકર ભગવાન નેમિનાથનું દેરાસર આવેલું છે જે 12 મી સદીમાં બાંધવામાં આવ્યું હતું . તેમની મૂર્તિ કાળા આરસપહાણના પથ્થરમાંથી બનાવાઈ છે અને તેમના નેત્રો કિંમતી રત્નથી બનાવાયા છે . આ ઉપરાંત અન્ય ચાર ભવ્ય જૈન દેરાસરો જે સુંદર આરસપહાણથી વસ્તુપાળ – તેજપાળે બંધાવેલાં છે . આમ , અહીંનું સમગ્ર સંકુલ સ્થાપત્ય કળાના નમૂનાથી ભરપૂર છે .
ગિરનારની લીલી પરિક્રમા વિશ્વભરમાં પ્રખ્યાત છે . ગિરનારની પરિક્રમા માટે પરોઢિયાનો સમય ઉત્તમ રહે છે . ભગવાન દત્તાત્રેયની ટૂંક ગિરનારની પરિક્રમાના માર્ગની વચ્ચે છે . ભગવાન શિવજીનું ભવનાથ મંદિર પરિક્રમાના માર્ગમાં પહેલું આવેલું છે . ત્યારપછી રાજા ભર્તુહરિની ગુફા , સોરઠ મહલ , ભીમકુંડ અને અન્ય મહત્વના સ્થાનકો પરિક્રમાના માર્ગે આવેલાં છે . ગિરનાર પર્વતીય ક્ષેત્રમાંથી એકત્રિત થયેલું પાણી ગૌ – મુખી કુંડમાં એકઠું થાય છે .













