પાલીતાણા

પાલીતાણા :ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ અને ભાવનગર શહેરથી લગભગ 60 કિમી . દૂર શૈત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક અને ભારતખ્યાત મહાતીર્થ “ પાલિતાણા ” આવેલું છે . 600 મીટર ઊંચી શેત્રુંજય પર્વતમાળા પરના 863 જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે . સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા કારીગરી દરેક દિવાલો – છત અને ખંડોમાં ઊભરી આવે છે .

પાલિતાણા અદ્વિતીય કળા વૈભવ અને આસ્થાના સ્થાનક સમું છે જે અગણિત જૈનો અને શ્રદ્ધાળુ – યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે . પાલિતાણાના ભવ્ય દેરાસરની શૃંખલાના નિર્માણ કાર્યની શરૂઆત મુર્શિદાબાદના રહેવાસી બાબુ ધનવંતસિંહ દ્વારા કરવામાં આવી . ત્યારબાદ 13 મી સદીના સમયગાળામાં વસ્તુપાળ – તેજપાળ દ્વારા આ પર્વત પર દેરાસરોની શૃંખલાનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું . નવ – નવ પેઢી સુધી ચાલેલું આ મંદિર સમૂહનું બાંધકામ મનુષ્યની શ્રદ્ધા , પરંપરા તેમ જ મહાજનોના સમાજમાં પ્રદાનની એક મહાગાથા છે .

પાલિતાણાને “ મંદિરોનું શહેર ” પણ કહેવાય છે . આધુનિક “ સમયવસરણ ” મંદિર અહીંજ આવેલું છે . શૈત્રુંજય જૈનોના પહેલાં તીર્થકર આદિનાથ ( જેમને ભગવાન ઋષભદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ) નું સ્થાન ગણાય છે . અહીંની તેમણે 93 વખત પરિક્રમા કરી હતી અને તેમને અહીં જ મોક્ષ – ગતિ પ્રાપ્ત થઈ હતી . આ કારણે જૈન ધર્મના અલૌકિક ઈતિહાસ સાથે સંકળાયેલ પાલિતાણા સૌ જૈન શ્રધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે

પાલિતાણાને “ સિદ્ધક્ષેત્ર ” ( મોક્ષનું દ્વાર ) તરીકે પણ ઓળખવામાં આવે છે . 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્થાન પર પહોંચવા 3795 પગથિયાં બનાવવામાં આવ્યા છે . પર્વતના શિખર પર પહોંચવાના માર્ગે તીર્થકરોના પદચિહ્નો દ્રશ્યમાન થાય છે . યાત્રાળુ માટે રસ્તામાં પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવેલી છે . માર્ગમાં ખાણી – પીણીની ચીજવસ્તુઓ પ્રતિબંધિત છે .

પાલિતાણાનું મુખ્ય દેરાસર મૂળ લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું . રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન મહેતાએ તે સમયમાં લગભગ 3 કરોડના ખર્ચે આરસપહાણના પથ્થરોમાંથી આ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું . ત્યારબાદ સમયાંતરે તેનું જીર્ણોદ્ધાર થતું રહયું છે . હાલનું દેરાસર ઈ.સ. 1618 માં નિર્માણ પામ્યું છે . મંદિરોમાં ભગવાનની શોભા માટે સમર્પિત ઘણા કીંમતી આભૂષણો અને હીરા પણ છે . એ સમગ્ર જૈન મંદિરોનો વહીવટ જાણીતી પેઢી આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે . તેમની પરવાનગીથી આ આભૂષણો જોઈ શકાય છે .

આ દેરાસરો ( મંદિરો ) નું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીવાળું ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ સૌને આચર્ય પમાડે તેવું સુંદર છે જેના નિર્માણમાં સમય , શક્તિ અને નાણાંની સાથે – સાથે શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાનું સિંચન થયું છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started