મોઢેરાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર : મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે . આ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન ઈ.સ .1027 માં બંધાયું હતું . મોઢેરા સ્થિત સૂર્યમંદિરનું નિર્માણ ભૌગોલિક સંરચના સાથે તાલબદ્ધ છે .

આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું હતું . સૂર્યના વિષુવૃત્તીય ક્ષેત્રના આગમન સમયે સૂર્યની અવર્ણનીય છબી તેના ગર્ભગૃહમાં માણી શકાય છે .

આ મંદિર ગર્ભગૃહ , અંતરાલ અને સભામંડપ એમ ત્રણ અંગો ધરાવે છે . ગર્ભગૃહની ભીંતો તથા મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા માર્ગ છે . મંદિરની છતને આઠ થાંબલાઓનો આધાર આપવામાં આવ્યો છે . આ થાંભલાઓ અષ્ટકોણ આકારના છે અને તેના પર ભરચક કોતરણી છે .

આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે . વળી , તેમાં કામશાસ્ત્રને લગતાં કેટલાંક શિલ્પો પણ જોવા મળે છે . આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે . મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના – નાના કુલ 108 જેટલા મંદિરો આવેલાં છે , જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દેશ્ય ઊભું કરે છે .

આ મંદિરની દીવાલો અને સ્તંભોમાં રામાયણ અને મહાભારતની ઘટનાઓને મૂર્તિમંત કરવામાં આવી છે . વળી તે સમયના દેવી- દેવતાઓના જીવંત રૂપોની રસપ્રદ કોતરણી કરવામાં આવી છે . મુખ્ય આકર્ષક મૂર્તિ ત્રણ મુખ , ત્રણ હાથ અને ત્રણ પગવાળી મૂર્તિ છે .

ગુજરાત પર્યટન મંત્રાલય દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન સૂર્યમંદિર પાસે કરવામાં આવે છે . આ મહોત્સવ ગુજરાતનો સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે જેના દ્વારા ગુજરાતની ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રખાય છે .

મોઢેરા નૃત્ય મહોત્સવનું મુખ્ય આકર્ષણ વિશિષ્ટ ગરબા છે . જેના દ્વારા ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિનું ચિત્રણ કરવામાં આવે છે . રંગીન પોશાકો પહેરીને લોકો ગરબા નૃત્ય કરે છે . પ્રવાસીઓ પણ આ નૃત્યની મજા માણે છે કારણકે આ નૃત્ય દ્વારા તેમને પ્રાચીન સમયના ભારતની ઝાંખી જોવા મળે છે . કુચિપુડી , ભરતનાટ્યમ , કથક જેવા બીજા શાસ્ત્રીય નૃત્યો પણ આ મહોત્સવમાં યોજવવામાં આવે છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started