અડાલજની વાવ : હાલમાં આ અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે . આ વાવ અમદાવાદથી લગભગ 15 કિમી . દૂર છે . આ વાવમાંથી ઈ.સ .1499 ની સાલનો સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવેલ છે તેની પરથી જાણવા મળે છે કે રૂડાદેવી ( રૂડીબાઈ ) એ તેમના પતિ વિરસંગ વાઘેલાની યાદમાં આ અડાલજની વાવ બંધાવી હતી .
આ વાવની કુલ લંબાઈ 251 ફૂટ છે , જેમાં ત્રણ પ્રવેશદ્વાર છે અને પાંચ માળ ઊંડી છે .
આ વાવ જમીનમાંના પાણીના પ્રથમ ઝરણાં સુધી બનાવવામાં આવી છે . આ વાવની બાંધણી આલંકારિક છે , જેમાં સ્તંભો , ગોખ અને ઝરોખાઓમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું હતું . આ વાવ માં પ્રવેશ કરતાં લગભગ 7.5 મીટરનો એક ચોરસ મંડપ નજરે પડે છે . મંડપના હાલના અવશેષો જોતાં જણાય છે કે ભૂતકાળમાં આ મંડપ ઉપર ઘુમ્મટ હશે . આ વાવના એક ગોખમાં ગુજરાતી આકારની નવ ગાગર ત્રણ – ત્રણની ઊતરડમાં કોતરેલી છે . બીજા ગોખમાં મુસ્લિમ કલ્પવૃક્ષ અને ચિરાગની આકૃતિઓ કંડારેલી છે .
વાવના બીજા મજલે અષ્ટકોણ કૂવાની ભીંતમાં નવગ્રહની પ્રતિમાઓ કંડારેલી છે અને તેમાં છેક નીચે સુધી જવા માટે બાજુએ ગોળ સીડી આવેલી છે . આ વાવ ગુજરાતની સર્વ વાવોમાં ઉત્તમ છે અને સ્થાપત્યની દષ્ટિએ આ વાવ જ્યા પ્રકારની છે . આ પ્રકારના સ્થાપત્ય વિશ્વમાં ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે . ભારત સરકાર દ્વારા આ અડાલજની વાવને સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે .

























