અક્ષરધામ મંદિર

અક્ષરધામ મંદિર (ગાંધીનગર ) :

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું આ અક્ષરધામ મંદિર આવેલું છે . આ અક્ષરધામ મંદિર ગુજરાતના હિન્દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે .

જેમાં કળા , સ્થાપત્ય , શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે . 23 એકરના વિશાળ વિસ્તારમાં અક્ષરધામ સંકુલ આવેલું છે જે રાજસ્થાની ગુલાબી પથ્થરોમાંથી નિર્માણ પામેલું છે . 6 વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું 240 ફૂટ લાબું અને 131 ફૂટ પહોળું છે જેમાં 6000 ટન પથ્થરો નિર્માણકાર્યમાં વપરાયેલા છે . વાસ્તુશાસ્ત્રના ઉચ્ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિંદુત્વના સીમાચિહ્ન સ્વરૂપ અક્ષરધામના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિવત્ કરાયેલો છે .

અક્ષરધામ એક જ શિલામાંથી બનાવેલાં અંદાજીત 210 કલાત્મક થાંભલા , 57 જેટલા બેનમૂન બારીઓ , ઘુમ્મટો અને આઠ જેટલા નકશીકામની ભરપૂર ઝરૂખાથી શોભી રહ્યું છે . અત્યંત આકર્ષક , કલામય સ્થાપત્ય શૈલીથી બંધાયેલા આ મંદિરમાં સાત ફૂટથી ઊંચી ભગવાન સ્વામીનારાયણની પ્રતિમા છે . ભગવાન સ્વામિનારાયણની અંદાજીત 9.2 ટનની આ ભવ્ય મૂર્તિ સોનાના ઢોળ ચઢાવી ગર્ભગૃહમાં સ્થાપિત કરેલી છે . ઉચ્ચ આસન પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તેમના જમણા હાથની અભય મુદ્રા સાથેનું તેમનું સ્વરૂપ અલૌકિક છે . તેમની જમણી બાજુ સ્વામી ગુણાતીતાનંદ અને ડાબી બાજુ સ્વામી ગોપાલાનંદ વંદન – અર્ચન કરતા દ્રશ્યમાન થાય છે .

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ “ અક્ષરધામ ” નું નિર્માણ કર્યું . અક્ષરધામમાં નીચે આવેલા વિશાળ ભોંયરામાં ભવ્ય ઈતિહાસ ધરાવતા સનાતન ધર્મનેઊજાગર કરતું સ્થાપત્ય અને જીવન – પ્રેરણાદાયી ધ્વનિ અને પ્રકાશ આયોજનના માધ્યમ દ્વારા મુલાકાતીઓને દિવ્યજીવનની અનુભૂતિ થાય છે . આમાં ભગવાન સ્વામિનાયારણના જીવનના – તેમની તપશ્વર્યાના -તેમની દિવ્ય અનુભૂતિના ચમત્કારિક પ્રસંગો મૂર્તિમંત કરવામાં આવ્યા છે .

આ ઉપરાંત આપણા ધાર્મિકગ્રંથો રામાયણ – મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ , શ્રવણની માતૃ – પિતૃ ભક્તિ , પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી , હસ્તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર , કૌરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો વગેરેની રજૂઆત જીવંત અને વાસ્તવિકતાની પ્રતિતિ કરાવે છે જે મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય છે . આ ઉપરાંત નરસિંહ , મીરાં , પ્રેમાનંદ , તુલસીદાસ , કબીર , સુરદાસ , જયદેવ , તુકારામ જેવા અનેક ભક્તકવિઓની પ્રતિમાઓ પણ છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started